Sunday, 13 March 2016

જેવા વિચાર કરશો તેવા થવાના..........

get out





        જેવા વિચાર કરશો તેવા થવાના. આજે આ ગુજરાતી ઉક્તિ સાર્થક થતી હોય તેવું લાગે છે. કારણ કે વર્તમાન સમાજની વિચારધારામાં બહુ જ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આજે જાણે દેશમાં અતિવૃષ્ટિ થઇ હોય તેમ ઠેરઠેર નવા નેતાઓ સત્તા મેળવવાની દોડમાં દેશને પાછળ ધકેલી રહ્યા છે. દરેક પક્ષ બીજા વિપક્ષને પછાડી દેવા માટે કુટીલતાની હદ પાર કરી રહ્યો છે. આડાઅવળા થતાં નિવેદનો બંધારણે આપેલાં વાણીસ્વાતંત્ર્યને કાળું કલંક લગાવી રહ્યાં છે. આજે કેટલીક જગ્યાએ સામાજિક પરિસ્થિતિ એ હદે વણસી રહી છે કે જાણે ભારતદેશ અનેક ટુકડાઓમાં વહેચાઈ જશે. સોશિયલ મિડીયા અને જર્નાલિઝમ લોકો માટે ખરેખર ઉપકારક છે પરંતુ હાલમાં તેનો જે રીતે ઉપયોગ થઇ રહ્યો છે તે બહુ જ ઘૃણાજનક છે. સંસ્કૃત સાહિત્યમાં એક બહુજ સરસ સુભાષિત શ્લોક છે,


यौवनं धनसम्पत्तिः प्रभुत्वमविवेकिता ।
एकैकमप्यनर्थाय किमु यत्र चतुष्टयम् ।।

        યુવાનીનો થનગનાટ ઉપરથી પૈસાનો ખણખણાટ અને થોડી નાનીમોટી સત્તાના નશામાં થતો આડોઅવળો બફાટ આ ચાર માંથી એક પણ હોય તો કંઇક અનર્થ થાય છે પણ જો આ ચારે એકસાથે હોય તો મહાઅનર્થ સર્જાય છે. હિતોપદેશનો આ શ્લોક ખરેખર અત્યારે વર્તમાન સમાજનું વાસ્તવિક પ્રતિબિંબ પાડે છે. લોકો પબ્લિસિટી મેળવવા સત્તાના નશામાં કંઇ હદ સુધી જઈ શકે છે તે તાજેતરમાં ચાલતા જેએનયુ વિવાદ પરથી જણાઈ આવે છે. 
  (જેએનયુ) જવાહરલાલ નહેર યુનિવર્સિટી ના વિદ્યાર્થી કન્હૈયા કુમાર ની આગેવાની નીચે યોજાયેલ અફઝલગુરુનો વરસી કાર્યક્રમ ખરેખર રાષ્ટ્રની આતંકવાદી સમર્થક તરીકેની છબી રચે છે. પહેલાં ના સમયમાં યુનિવર્સિટી કહેતાં વિશ્વવિદ્યાલયોનું સ્થાન તત્કાલીન સમાજ કરતા ખૂબ વિશિષ્ટ અને વિશ્વસનીય હતું. કારણ કે ઉત્તમ શિક્ષક જ શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકે છે તે વાત તત્કાલીન સમાજ સારી રીતે જાણતો હતો. તક્ષશીલા જેવા પ્રાચીન વિશ્વવિદ્યાલયોનો ઇતિહાસ આપણી સમક્ષ છે તેની સામે આજે જેએનયુ જેવા વિશ્વવિદ્યાલયો સાવ વામણા લાગે છે. સામાન્ય રીતે શિક્ષકો આચાર્યોનું મુખ્ય કાર્ય ભિન્ન ક્ષેત્રોમાં તેજસ્વી વિદ્વાનો તૈયાર કરવાનું હોય છે, નહિં કે રાષ્ટ્રવિરુધ્ધ કાર્યોક્રમો યોજનારા દેશદ્રોહી તૈયાર કરવાનું.

         વર્તમાન સમાજમાં થઇ રહેલાં રાષ્ટ્રવિરુધ્ધ કાર્યક્રમો પાછળ જેટલો દોષ વિશ્વવિદ્યાલયોનો છે, શાળાઓનો-કોલેજોનો છે તેટલો જ દોષ મિડિયા અને સમાજનો પણ છે. મિડિયા દ્વારા આખો દેશ સંકળાયેલો છે ત્યારે દરેક નાના-મોટાં મુદ્દાઓની ચકચાર જગાવવાની જરાય જરૂર નથી. સતત થતાં મિડિયાનાં પ્રચારધોધથી લોકો પર વિપરીત અસર થાય છે અને પછી શરૂ થાય છે છમકલાં અને કોમી રમખાણોની હારમાળા. સરકારમાં વિપક્ષના લોકો આ બધી વાતોનો ફાયદો ઉઠાવી રાજકારણની છેલ્લી પટલીએ બેસી હત્યાઓ જેવા મુદ્દાઓ પર પણ કુટિલ રાજકારણ ખેલે છે.

          આ બધાં થી બચવાનો ઉપાય એકમાત્ર મિડિયા કન્ટ્રોલ છે જે હવે શક્ય નથી. દેશ જેટલો વિકાસ કરી રહ્યો છે તેટલી જ લોકોની માનસિકતા છીછરી થઈ રહી છે જે બદલવાની જરૂર છે. પૂર્વાગ્રહના ચોકઠાં માં ગોઠવાઇને બેસી રહેવાથી વિશ્વગુરુ નહિ થવાય. नजर बदलो नजरीया बदल जायेगा...